શું તમે તારણ મેળવવા ઘરે-ઘરે પ્રચાર કરો છો?
ના. ખરું કે, અમે નિયમિત રીતે પ્રચાર કરવા ઘરે-ઘરે જઈએ છીએ, પણ અમે એવું નથી માનતા કે ઘરે-ઘરે પ્રચાર કરીને અમે તારણના હકદાર બનીએ છીએ. (એફેસી ૨:૮) અમે શાના આધારે એમ કહીએ છીએ?
એક દાખલો જોઈએ. એક ઉદાર માણસે મોંઘી ભેટ આપવાનું વચન આપ્યું છે. પરંતુ, તે ચાહે છે કે એ મેળવવા દરેક વ્યક્તિ તેમણે જણાવેલી તારીખે અને જગ્યાએ આવે. જો તમને એ માણસના વચનમાં ભરોસો હશે, તો શું તમે તેના કહ્યા પ્રમાણે નહિ કરો? હા, ચોક્કસ! અરે, તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યોને પણ એ તક ઝડપી લેવા જણાવશો, જેથી તેઓને પણ ફાયદો થાય. જોકે, એ માણસના કહ્યા પ્રમાણે કરવાથી તમે કંઈ એ ભેટના હકદાર બની જતા નથી, પરંતુ એ માણસની ઇચ્છા હોવાથી તમને એ ભેટ મળે છે.
એવી જ રીતે, યહોવાના સાક્ષીઓ માને છે કે ઈશ્વરે હંમેશ માટેનું જીવન આપવાનું વચન આપ્યું છે. પરંતુ, તે ચાહે છે કે એ મેળવવા લોકો તેમનું કહ્યું કરે. (રોમનો ૬:૨૩) અમે અમારી શ્રદ્ધા વિશે બીજાઓને જણાવીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે તેઓ પણ ઈશ્વરના વચનોમાંથી ફાયદો મેળવે. પરંતુ, અમે એવું માનતા નથી કે પ્રચાર કરવાથી અમે તારણના હકદાર બની જઈએ છીએ. (રોમનો ૧:૧૭; ૩:૨૮) ખરેખર તો કોઈ માણસ એવું કંઈ કરી શકતો નથી, જેનાથી તે ઈશ્વર તરફથી મળતો અદ્ભુત આશીર્વાદ કમાઈ શકે. આપણને ‘પોતાનાં કરેલાં ન્યાયી કૃત્યોથી નહિ, પણ ઈશ્વરની દયાથી’ તારણ મળશે.—તીતસ ૩:૫.