નિર્ગમન ૨૧:૧-૩૬

  • ઇઝરાયેલીઓ માટે કાયદા-કાનૂનો (૧-૩૬)

    • હિબ્રૂ દાસો વિશે (૨-૧૧)

    • બીજાઓ સાથે કરેલી હિંસા વિશે (૧૨-૨૭)

    • પ્રાણીઓ વિશે (૨૮-૩૬)

૨૧  “આ કાયદા-કાનૂન તું ઇઝરાયેલીઓને જણાવ:+ ૨  “જો તમે હિબ્રૂ દાસને ખરીદો,+ તો તે છ વર્ષ તમારી ચાકરી કરે. પણ સાતમા વર્ષે તે કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થાય.+ ૩  જો તે એકલો આવ્યો હોય, તો તે એકલો આઝાદ થાય. પણ જો તે પોતાની પત્ની સાથે આવ્યો હોય, તો તે પત્ની સાથે આઝાદ થાય. ૪  જો માલિક પોતાના દાસને પરણાવે અને તેને દીકરા કે દીકરીઓ થાય, તો તેની પત્ની અને તેનાં બાળકો માલિકનાં ગણાય.* પણ પેલો દાસ એકલો આઝાદ થાય.+ ૫  પણ જો દાસ આમ કહેતો રહે, ‘હું મારા માલિકને, મારી પત્નીને અને મારા દીકરાઓને પ્રેમ કરું છું, મારે આઝાદ નથી થવું,’+ ૬  તો માલિક દરવાજા અથવા બારસાખ પાસે દાસને લાવે અને સોયાથી* તેનો કાન વીંધે. સાચા ઈશ્વર એના સાક્ષી થાય* અને તે જીવનભર પોતાના માલિકનો દાસ થાય. ૭  “જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી તરીકે વેચી દે, તો દાસની જેમ તે આઝાદ નહિ થઈ શકે. ૮  પણ જો એ દાસીનો માલિક તેનાથી ખુશ ન હોય અને તેને ઉપપત્ની તરીકે રાખવા માંગતો ન હોય, તો માલિક તેને વેચી દઈ શકે છે. પણ તે કોઈ પરદેશીને એ દાસી વેચી શકશે નહિ, કેમ કે તેણે દાસી સાથે અન્યાય કર્યો છે. ૯  પણ જો માલિક દાસીને પોતાના દીકરા સાથે પરણાવે, તો માલિક તેને પોતાની દીકરીની જેમ રાખે.* ૧૦  જો તે દીકરો* બીજી સ્ત્રીને પરણે, તો પહેલી પત્નીને ખાધાખોરાકી અને કપડાં પૂરાં પાડતો રહે, એમાં જરાય ઓછું ન કરે અને લગ્‍નની ફરજ*+ નિભાવતો રહે. ૧૧  જો દાસી પ્રત્યેની એ ત્રણ ફરજો તે પૂરી ન કરે, તો એ દાસી કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થઈ શકે છે. ૧૨  “જો કોઈ માણસ બીજા માણસ પર હુમલો કરીને તેને મારી નાખે, તો તેને મોતની સજા કરવી.+ ૧૩  પણ જો તેણે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય અને સાચા ઈશ્વરે એમ થવા દીધું હોય, તો હું જે જગ્યા નક્કી કરું ત્યાં તે નાસી જાય.+ ૧૪  જો કોઈ માણસ પોતાના પડોશી પર ખૂબ ગુસ્સે ભરાય અને તેને જાણીજોઈને મારી નાખે,+ તો તે ખૂનીને મારી નાખવો. તે રક્ષણ માટે મારી વેદીએ આવે તોપણ તેને ત્યાંથી બહાર કાઢીને મારી નાખવો.+ ૧૫  જો કોઈ પોતાના પિતા કે માતા પર હાથ ઉઠાવે, તો તેને મારી નાખવો.+ ૧૬  “જો કોઈ માણસ બીજાનું અપહરણ કરીને+ તેને વેચી દે અથવા અપહરણ થયેલી વ્યક્તિ તે માણસના કબજામાં મળી આવે,+ તો અપહરણ કરનારને મારી નાખવો.+ ૧૭  “જો કોઈ પોતાના પિતાને કે માતાને શ્રાપ આપે,* તો તેને મારી નાખવો.+ ૧૮  “જો બે માણસો લડતા હોય અને એક માણસ બીજાને પથ્થરથી કે મુક્કાથી* મારે અને તે મરી ન જાય પણ પથારીવશ થઈ જાય, તો આમ કરવું: ૧૯  જો ઘાયલ થયેલો માણસ થોડા સમય પછી લાકડીને સહારે બહાર હરવા-ફરવા લાગે, તો મારનાર માણસને સજા કરવી નહિ, પણ તેણે નુકસાની ભરી આપવી. જ્યાં સુધી ઘાયલ થયેલો માણસ પૂરી રીતે સાજો થઈને પાછો કામે ન જાય, ત્યાં સુધી મારનાર માણસ તેને નુકસાની ભરી આપે. ૨૦  “જો કોઈ માલિક લાકડીથી પોતાના દાસ કે દાસીને મારે અને તે મરી જાય, તો માલિકને સજા કરવી.+ ૨૧  પણ જો તે એક કે બે દિવસ પછી મરી જાય, તો માલિકને સજા ન કરવી, કેમ કે માલિકે તેને પૈસાથી ખરીદ્યો હતો. ૨૨  “જો બે માણસો લડતા હોય અને એનાથી ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચે અને તે અધૂરા મહિને બાળકને જન્મ આપે,+ પણ મા કે બાળકનો જીવ ન જાય,* તો ઈજા પહોંચાડનારે નુકસાની ભરી આપવી. કેટલી નુકસાની ભરી આપવી એ સ્ત્રીનો પતિ જણાવે. પછી, ન્યાયાધીશો નક્કી કરે એ પ્રમાણે પેલા માણસે નુકસાની ભરી આપવી.+ ૨૩  પણ જો મા કે બાળકનો જીવ જાય, તો એ જીવને બદલે ગુનેગારનો જીવ લેવો.+ ૨૪  ગુનેગારે નુકસાન ભોગવવું પડશે, એટલે કે આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,+ ૨૫  ડામને બદલે ડામ, ઈજાને બદલે ઈજા, મારને બદલે માર. ૨૬  “જો કોઈ માલિક પોતાના દાસ કે દાસીને મારીને તેની આંખ ફોડી નાખે, તો આંખના બદલામાં માલિક પોતાના ગુલામને આઝાદ કરે.+ ૨૭  જો કોઈ માલિક પોતાના દાસ કે દાસીને મારીને તેનો દાંત તોડી નાખે, તો દાંતના બદલામાં માલિક પોતાના ગુલામને આઝાદ કરે. ૨૮  “જો બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને શિંગડું મારે અને તે મરી જાય, તો બળદને પથ્થરે મારી નાખવો+ અને એનું માંસ ખાવું નહિ. પણ બળદના માલિકને સજા કરવી નહિ. ૨૯  જો બળદને શિંગડાં મારવાની આદત હોય અને એ વિશે એના માલિકને ખબર હોય, છતાં તે એને કાબૂમાં ન રાખે અને એ બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો એ બળદને પથ્થરે મારી નાખવો અને તેના માલિકને પણ મારી નાખવો. ૩૦  પણ માલિકને મારી નાખવાને બદલે તેની પાસે છુટકારાની કિંમત* માંગવામાં આવે તો, તે પૂરેપૂરી કિંમત ચૂકવીને પોતાનો જીવ બચાવી શકે છે. ૩૧  જો બળદ કોઈ નાના છોકરા કે છોકરીને શિંગડું મારે, તો એ જ કાયદા-કાનૂન પ્રમાણે બળદના માલિક સાથે થવું જોઈએ. ૩૨  જો બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું મારે, તો બળદનો માલિક એ દાસ કે દાસીના માલિકને ૩૦ શેકેલ* ચાંદી આપે. પણ બળદને પથ્થરે મારી નાખવામાં આવે. ૩૩  “જો કોઈ માણસ ખાડો ખુલ્લો રાખે અથવા ખાડો ખોદીને એને ઢાંકે નહિ અને એમાં બળદ કે ગધેડો પડે, ૩૪  તો ખાડો ખોદનાર* કિંમત ચૂકવીને પશુના માલિકને નુકસાની ભરી આપે+ અને એ મરેલું પશુ ખાડો ખોદનારનું થાય. ૩૫  જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારી નાખે, તો તેઓએ જીવતા બળદને અને મરેલા બળદને વેચી દેવા. પછી એમાંથી ઊપજેલી કિંમત તેઓ બંનેએ વહેંચી લેવી. ૩૬  જો બળદને શિંગડાં મારવાની આદત હોય, છતાં માલિક એને કાબૂમાં ન રાખે અને એ બીજા માણસના બળદને મારી નાખે, તો માલિકે બળદના બદલામાં બળદ આપવો. એટલે કે તેણે જીવતો બળદ આપવો અને મરેલો બળદ પોતે રાખવો.

ફૂટનોટ

દેખીતું છે, સાતમા વર્ષે ગુલામીમાંથી આઝાદ થવાનો નિયમ પરદેશી સ્ત્રીને લાગુ પડતો ન હતો.
અથવા, “આરથી.”
અથવા, “માલિક દાસને સાચા ઈશ્વરની આગળ લાવે.”
અથવા, “માલિક તેને દીકરીના સર્વ હક આપે.”
અહીં જાતીય સંબંધની વાત થાય છે.
અથવા કદાચ, “માલિક.” મૂળ, “તે.”
અથવા, “નિંદા કરે.”
અથવા કદાચ, “ઓજારથી.”
અથવા, “ગંભીર ઈજા ન થાય.”
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “ખાડાનો માલિક.”