યશાયા ૧૧:૧-૧૬
૧૧ યિશાઈના થડમાંથી+ એક ડાળી ઊગશે,+તેના મૂળમાંથી નીકળેલા ફણગાને+ ફળ આવશે.
૨ યહોવાની શક્તિ તેના* પર ઊતરી આવશે.+
એટલે તે બુદ્ધિશાળી+ અને સમજુ હશે,તે સારો સલાહકાર હશે અને બળવાન હશે,+તે બહુ જ્ઞાની હશે અને યહોવાનો ડર રાખશે.
૩ યહોવાનો ડર રાખવામાં તેને અપાર ખુશી થશે.+
તેની આંખો જે જુએ છે, એના આધારે તે ન્યાય કરશે નહિ.
તેના કાન જે સાંભળે છે, એના આધારે તે ઠપકો આપશે નહિ.+
૪ લાચાર લોકોનો તે અદ્દલ* ઇન્સાફ કરશે,પૃથ્વીના નમ્ર લોકો માટે તે બીજા લોકોને સચ્ચાઈથી ઠપકો આપશે.
તે પોતાના મોંની સોટીથી ધરતીને ફટકારશે,+તે પોતાના મોંના* શ્વાસથી દુષ્ટોને મોતને ઘાટ ઉતારશે.+
૫ સચ્ચાઈ તેનો કમરપટ્ટોઅને વફાદારી તેનો કમરબંધ બનશે.+
૬ વરુ અને ઘેટું સાથે રહેશે,*+ચિત્તો અને બકરીનું બચ્ચું ભેગાં ઊંઘશે.
વાછરડું, સિંહ અને તાજાં-માજાં પ્રાણીઓ ભેગાં રહેશે.*+
નાનકડો છોકરો તેઓને દોરી જશે.
૭ ગાય અને રીંછ સાથે ચરશે,તેઓનાં બચ્ચાં ભેગાં ઊંઘશે.
સિંહ પણ બળદની જેમ ઘાસ ખાશે.+
૮ ધાવણું બાળક નાગના રાફડા પર રમશે,ધાવણ છોડાવેલું બાળક ઝેરી સાપના દર પર હાથ મૂકશે.
૯ મારા આખા પવિત્ર પર્વત પરતેઓ કંઈ નુકસાન કે વિનાશ કરશે નહિ,+
કેમ કે જેમ દરિયો પાણીથી ભરપૂર છે,+તેમ ધરતી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.
૧૦ એ દિવસે યિશાઈનું મૂળ,+ લોકો માટે નિશાની* તરીકે ઊભું થશે.+
પ્રજાઓ તેની પાસે સલાહ માંગશે.*+
તેનું રહેઠાણ ભવ્ય બનશે.
૧૧ એ દિવસે યહોવા ફરીથી, બીજી વાર પોતાનો હાથ લંબાવશે અને પોતાના લોકોને પાછા લઈ આવશે. તે આશ્શૂર,+ ઇજિપ્ત,+ પાથ્રોસ,+ કૂશ,*+ એલામ,+ શિનઆર,* હમાથ અને દરિયાના ટાપુઓ પાસેથી પોતાના બચી ગયેલા લોકો પાછા મેળવશે.+
૧૨ એ દિવસે પ્રજાઓ માટે તે એક નિશાની* ઊભી કરશે અને ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરશે.+ તે યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી ભેગા કરશે.+
૧૩ એફ્રાઈમ હવેથી અદેખાઈ કરશે નહિ,+યહૂદાને સતાવનારાનો વિનાશ કરવામાં આવશે.
એફ્રાઈમ હવે યહૂદાની અદેખાઈ કરશે નહિકે યહૂદા એફ્રાઈમને સતાવશે નહિ.+
૧૪ પશ્ચિમમાં આવેલા પલિસ્તીઓના ઢોળાવો પર તેઓ ઊતરી આવશે.
તેઓ ભેગા મળીને પૂર્વના લોકોને લૂંટી લેશે.
તેઓ અદોમ+ અને મોઆબને+ હરાવશેઅને આમ્મોનીઓ તેઓને આધીન થશે.+
૧૫ યહોવા ઇજિપ્તમાં સમુદ્રના અખાતના બે ભાગલા કરી નાખશે*+અને યુફ્રેટિસ નદી પર પોતાનો હાથ ઉગામશે.+
તે પોતાનો ધગધગતો શ્વાસ* એના સાત વહેળા પર ફૂંકશે,*પહેરેલાં ચંપલ સાથે લોકોને સમુદ્ર પાર કરાવશે.
૧૬ તે ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓને બહાર કાઢી લાવ્યા એ દિવસની જેમ,પોતાના બાકી રહેલા લોકો માટે+ આશ્શૂરમાંથી માર્ગ કાઢશે.+
ફૂટનોટ
^ અહીં “તેના” યશા ૧૧:૧માંનાં “ડાળી” અને “ફણગાને” બતાવે છે.
^ મૂળ, “હોઠોના.”
^ અથવા, “સચ્ચાઈથી.”
^ અથવા, “થોડો સમય સાથે રહેશે.”
^ અથવા કદાચ, “વાછરડું અને સિંહ સાથે ચરશે.”
^ અથવા, “પ્રજાઓ તેની શોધ કરશે.”
^ અથવા, “નિશાનીના થાંભલા.”
^ અથવા, “ઇથિયોપિયા.”
^ એટલે કે, બાબેલોનિયા.
^ અથવા, “નિશાનીનો થાંભલો.”
^ અથવા કદાચ, “અખાતને સૂકવી નાખશે.”
^ અથવા, “પોતાની પવિત્ર શક્તિ.”
^ અથવા કદાચ, “એને સાત વહેળામાં વહેંચી નાખશે.”