લેવીય ૧૯:૧-૩૭

  • પવિત્ર રહેવા વિશે નિયમો (૧-૩૭)

    • કાપણીની યોગ્ય રીત (૯, ૧૦)

    • બહેરા અને આંધળા લોકોને નુકસાન ન પહોંચાડો (૧૪)

    • નિંદા ન કરો (૧૬)

    • ખાર ભરી ન રાખો (૧૮)

    • જાદુવિદ્યા અને મેલીવિદ્યા ન કરો (૨૬, ૩૧)

    • છૂંદણાં ન કરો (૨૮)

    • વૃદ્ધોને માન આપો (૩૨)

    • પરદેશીઓ સાથે સારી રીતે વર્તો (૩૩, ૩૪)

૧૯  યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨  “બધા ઇઝરાયેલીઓને કહે, ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.+ ૩  “‘તમારી માને અને તમારા પિતાને માન આપો.*+ તમે મારા સાબ્બાથો પાળો.+ હું યહોવા તમારો ઈશ્વર છું. ૪  નકામા દેવો તરફ ફરશો નહિ+ અથવા તમારા માટે ધાતુની ઢાળેલી મૂર્તિઓ બનાવશો નહિ.+ હું યહોવા તમારો ઈશ્વર છું. ૫  “‘હવે જો તમે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવો,+ તો તમને ઈશ્વરની મંજૂરી મળે એ રીતે ચઢાવો.+ ૬  જે દિવસે તમે અર્પણ ચઢાવો એ જ દિવસે એને ખાઓ. તમે એને બીજા દિવસે પણ ખાઈ શકો. પણ ત્રીજા દિવસે જે કંઈ બાકી રહે એને આગમાં બાળી નાખો.+ ૭  જો કોઈ ત્રીજા દિવસે એમાંથી ખાય, તો એ ધિક્કારને લાયક છે. એ અર્પણને ઈશ્વરની મંજૂરી મળશે નહિ. ૮  જે કોઈ એ ખાય, તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્તુને ભ્રષ્ટ કરી છે. તમે એ માણસને મારી નાખો. ૯  “‘તમે કાપણી કરો ત્યારે, તમારા ખેતરના બધા છેડા સુધી પાક લણી ન લો. લણ્યા પછી જે કંઈ બચે એ બધું વીણી* ન લો.+ ૧૦  તેમ જ, તમે દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરો ત્યારે, ડાળીઓ પર રહી ગયેલી અને નીચે પડેલી દ્રાક્ષો વીણી ન લો. એ બધું તમે ગરીબો*+ અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે રહેવા દો. હું યહોવા તમારો ઈશ્વર છું. ૧૧  “‘તમે ચોરી ન કરો,+ કોઈની સાથે કપટ ન કરો+ અને એકબીજા સાથે બેઈમાની ન કરો. ૧૨  તમે મારા નામે જૂઠા સમ ન ખાઓ+ અને એ રીતે તમારા ઈશ્વરના નામનું અપમાન ન કરો. હું યહોવા છું. ૧૩  તમે કોઈની સાથે છેતરપિંડી ન કરો+ અને કોઈને લૂંટી* ન લો.+ મજૂરની મજૂરી આખી રાત, એટલે કે સવાર સુધી પોતાની પાસે રાખી ન મૂકો.+ ૧૪  “‘તમે બહેરાને શ્રાપ ન આપો અને આંધળાની આગળ એવું કંઈ ન મૂકો, જેનાથી તે ઠોકર ખાય.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો.+ હું યહોવા છું. ૧૫  “‘તમે કોઈને અન્યાય ન કરો. તમે ગરીબની તરફદારી ન કરો અને અમીરનો પક્ષ ન લો.+ તમે અદ્દલ ન્યાય કરો. ૧૬  “‘તમે લોકો વચ્ચે આમતેમ ફરીને કોઈની નિંદા ન કરો.+ કોઈનો જીવ લેવા* અધીરા ન બનો.*+ હું યહોવા છું. ૧૭  “‘તમે પોતાના દિલમાં તમારા ભાઈને ન ધિક્કારો.+ જો કોઈએ પાપ કર્યું હોય, તો તેને પાછા ફરવા તમે જરૂર ઠપકો આપો,+ જેથી તેની જેમ તમે પણ એ પાપ માટે જવાબદાર ન બનો. ૧૮  “‘તમે વેર ન વાળો.+ તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.+ હું યહોવા છું. ૧૯  “‘તમે મારા આ નિયમો પણ પાળો: તમે એક જાતના પાલતુ પ્રાણીનું બીજી જાતના પ્રાણી સાથે સંવનન ન કરાવો. તમે બે જાતનાં બીનું મિશ્રણ કરીને ખેતરમાં ન વાવો.+ તમે બે પ્રકારના રેસાથી વણેલાં કપડાં ન પહેરો.+ ૨૦  “‘જો કોઈ માણસ એવી દાસી સાથે જાતીય સંબંધ બાંધે, જે બીજા માણસની પત્ની થવાની છે, પણ હજી સુધી તેને છોડાવવામાં કે આઝાદ કરવામાં આવી નથી, તો તેઓ બંનેને સજા કરવી. પણ તેઓને મારી ન નાખવાં, કેમ કે એ દાસીને હજી સુધી આઝાદ કરવામાં આવી નથી. ૨૧  તે માણસ યહોવાને દોષ-અર્પણ ચઢાવવા એક ઘેટો લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ જાય.+ ૨૨  યાજક દોષ-અર્પણનો ઘેટો યહોવા આગળ ચઢાવે. યાજક તે માણસના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરે અને તેણે કરેલું પાપ માફ કરવામાં આવશે. ૨૩  “‘જે દેશ હું તમને આપું છું, એમાં તમે જાઓ ત્યારે, જો તમે કોઈ ફળનું ઝાડ વાવો, તો શરૂઆતનાં ત્રણ વર્ષ તમે એનાં ફળને અશુદ્ધ ગણો અને એ ન ખાઓ. ત્રણ વર્ષ સુધી તમને એ ફળ ખાવાની મનાઈ છે. ૨૪  પણ ચોથા વર્ષે એનાં બધાં ફળ શુદ્ધ ગણાય. તમે આનંદ મનાવતાં મનાવતાં એ યહોવાને અર્પિત કરો.+ ૨૫  પછી પાંચમા વર્ષે તમે એનાં ફળ ખાઈ શકો, જેથી તમારી ઊપજ વધે. હું યહોવા તમારો ઈશ્વર છું. ૨૬  “‘તમે લોહીવાળું કંઈ પણ ન ખાઓ.+ “‘તમે શુકન ન જુઓ અથવા જાદુવિદ્યા ન કરો.+ ૨૭  “‘તમે તમારાં માથાના ખૂણા ન મૂંડાવો અને તમારી દાઢી બાજુએથી* મૂંડાવીને એને ન બગાડો.*+ ૨૮  “‘મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો.+ તમે તમારાં શરીર પર છૂંદણાં ન પડાવો. હું યહોવા છું. ૨૯  “‘તમે તમારી દીકરીને વેશ્યા બનાવીને તેનું અપમાન ન કરો.+ નહિતર, વેશ્યાગીરીને કારણે દેશ ભ્રષ્ટ થઈ જશે અને લંપટ કામોથી ભરાઈ જશે.+ ૩૦  “‘તમે મારા સાબ્બાથો પાળો.+ મારી પવિત્ર જગ્યા* માટે આદર બતાવો.* હું યહોવા છું. ૩૧  “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવાઓ તરફ તમે ન ફરો+ અને ભવિષ્ય ભાખનાર પાસે ન જાઓ.+ કેમ કે એમ કરવાથી તમે પોતાને અશુદ્ધ કરો છો. હું યહોવા તમારો ઈશ્વર છું. ૩૨  “‘તમે ધોળા વાળવાળા લોકોને માન આપો.+ તમે વૃદ્ધોને આદર આપો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો.+ હું યહોવા છું. ૩૩  “‘તમારી વચ્ચે રહેનાર પરદેશીને તમે હેરાન ન કરો.+ ૩૪  તમારી વચ્ચે રહેનાર પરદેશીને તમે વતની જ ગણો.+ જેવો પોતાના પર એવો પરદેશી પર પ્રેમ રાખો, કેમ કે તમે પણ ઇજિપ્ત દેશમાં એક વખતે પરદેશી હતા.+ હું યહોવા તમારો ઈશ્વર છું. ૩૫  “‘તમે લંબાઈ, વજન અને પ્રવાહી માપવામાં બેઈમાની ન કરો.+ ૩૬  તમે સાચાં ત્રાજવાં, સાચાં વજનિયાં, સાચા એફાહ* અને સાચા હીન* વાપરો.+ હું યહોવા તમારો ઈશ્વર છું, હું તમને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું. ૩૭  તેથી તમે મારા બધા નિયમો અને કાયદા-કાનૂન પાળો અને એ પ્રમાણે ચાલો.+ હું યહોવા છું.’”

ફૂટનોટ

મૂળ, “ડર રાખો.”
અથવા, “દુઃખી લોકો.”
એ શબ્દ કોઈ વ્યક્તિને તેના હકની વસ્તુ ન આપવાને બતાવી શકે.
મૂળ, “કોઈનું લોહી વહેવડાવવા.”
અથવા કદાચ, “કોઈનું જીવન જોખમમાં હોય ત્યારે હાથ પર હાથ ધરીને બેસી ન રહો.”
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
એ કદાચ અમુક જૂઠા ધર્મના રિવાજને બતાવે છે. જોકે, દાઢીના ખૂણા કાપવાનો અર્થ એ ન હતો કે, ઇઝરાયેલીઓ દાઢી સહેજ પણ કાપી શકતા ન હતા.
મૂળ, “ડર રાખો.”