હિબ્રૂઓને પત્ર ૭:૧-૨૮

  • મલ્ખીસદેક, અજોડ રાજા અને યાજક (૧-૧૦)

  • ખ્રિસ્તનું યાજકપદ વધારે ચઢિયાતું છે (૧૧-૨૮)

    • ખ્રિસ્ત સંપૂર્ણ રીતે બચાવી શકે છે (૨૫)

 શાલેમના રાજા મલ્ખીસદેક સર્વોચ્ચ ઈશ્વરના યાજક હતા. ઇબ્રાહિમ જ્યારે રાજાઓને હરાવીને* પાછા આવતા હતા, ત્યારે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યા અને તેમને આશીર્વાદ આપ્યો.+ ૨  ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો. મલ્ખીસદેક નામના અર્થ પ્રમાણે પહેલા તો તે “નેકીના રાજા” છે અને પછી શાલેમના રાજા, એટલે કે “શાંતિના રાજા” છે. ૩  તેમનાં માતા-પિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી. પણ તેમને ઈશ્વરના દીકરા જેવા બનાવવામાં આવ્યા હતા, એટલે તે હંમેશ માટે યાજક રહે છે.+ ૪  જુઓ, આ માણસ કેટલા મહાન હતા! આપણા કુળપિતા* ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતની સૌથી સારી વસ્તુઓનો દસમો ભાગ તેમને આપ્યો હતો.+ ૫  ખરું કે નિયમશાસ્ત્ર* પ્રમાણે, યાજકપદ મેળવનાર લેવીના દીકરાઓને+ આજ્ઞા આપવામાં આવી હતી કે તેઓ લોકો પાસેથી, એટલે કે તેઓના ભાઈઓ પાસેથી દસમો ભાગ લે,+ પછી ભલે એ લોકો ઇબ્રાહિમના વંશજો હોય. ૬  પણ મલ્ખીસદેક, જે લેવી કુળના ન હતા, તેમણે વચનો મેળવનાર ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ લીધો અને તેમને આશીર્વાદ આપ્યો.+ ૭  હવે એ વાતે બધા સહમત થશે કે મોટાઓ નાનાઓને* આશીર્વાદ આપે છે. ૮  લેવીઓના કિસ્સામાં, દસમો ભાગ મેળવનાર લેવીઓ તો સમય જતાં મરી જતા હતા, પણ આ મલ્ખીસદેક જેવા માણસના કિસ્સામાં શાસ્ત્રવચનો સાક્ષી પૂરે છે કે તે જીવે છે.+ ૯  એવું કહી શકાય કે દસમો ભાગ ઉઘરાવનારા લેવીઓએ પણ ઇબ્રાહિમ દ્વારા દસમો ભાગ આપ્યો. ૧૦  કેમ કે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યા ત્યારે, ઇબ્રાહિમના વંશજ તરીકે લેવીનો જન્મ હજુ થયો ન હતો.+ ૧૧  લેવી કુળમાંથી યાજકો લેવાની ગોઠવણ ઇઝરાયેલીઓને અપાયેલા નિયમશાસ્ત્રનો એક ભાગ હતો. હવે જો લેવી યાજકોની મદદથી સંપૂર્ણ થવું શક્ય હોત,+ તો આપણને મલ્ખીસદેક જેવા યાજકની કેમ જરૂર પડે?+ શું હારુન જેવા યાજકથી જ એ શક્ય થયું ન હોત? ૧૨  હવે યાજકપદ બદલવામાં આવ્યું છે, એટલે નિયમશાસ્ત્ર પણ બદલવામાં આવે એ જરૂરી છે.+ ૧૩  જે માણસ વિશે આ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળમાંથી આવે છે અને એ કુળમાંથી કોઈએ પણ વેદી* આગળ સેવા કરી નથી.+ ૧૪  એક વાત તો સ્પષ્ટ છે કે આપણા માલિક ઈસુ યહૂદાના કુળમાંથી આવ્યા હતા,+ પણ યાજકો એ કુળમાંથી આવશે એ વિશે મૂસાએ કંઈ જણાવ્યું ન હતું. ૧૫  જ્યારે મલ્ખીસદેક જેવા બીજા યાજક ઊભા થયા,+ ત્યારે એ વાત હજુ વધારે સ્પષ્ટ બની.+ ૧૬  તે એટલા માટે યાજક નથી કે તે નિયમશાસ્ત્રમાં જણાવેલા કુળમાંથી આવ્યા હતા, પણ તે એટલા માટે યાજક છે, કેમ કે અવિનાશી જીવન આપનાર શક્તિએ તેમને યાજક બનાવ્યા છે.+ ૧૭  તેમના વિશે આ સાક્ષી આપવામાં આવી છે: “તું મલ્ખીસદેક જેવો યાજક છે, તું હંમેશ માટે યાજક છે.”+ ૧૮  તેથી પહેલાંની આજ્ઞાઓ રદ કરવામાં આવી, કેમ કે એમાં ખોટ છે અને એ અસરકારક નથી.+ ૧૯  નિયમશાસ્ત્રથી કોઈ સંપૂર્ણ થયું નથી,+ પણ એક સારી આશાને+ લીધે સંપૂર્ણ થવું શક્ય બન્યું છે અને એના દ્વારા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.+ ૨૦  તેમ જ, ઈશ્વરે સોગંદ ખાઈને આ યાજકપદ ઈસુને આપ્યું છે. ૨૧  (હકીકતમાં, એવા માણસો છે જેઓ સોગંદ વગર યાજકો બન્યા છે. પણ આ યાજકને તો ઈશ્વરે પોતે સોગંદ ખાઈને યાજક બનાવ્યા છે. તેમણે કહ્યું હતું: “યહોવાએ* આવા સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ,* ‘તું હંમેશ માટે યાજક છે.’”)+ ૨૨  એટલે ઈસુ વધારે સારા કરારના* જામીન* બન્યા છે.+ ૨૩  વધુમાં, યાજકો મરણ પામવાને લીધે સેવા ચાલુ રાખી શકતા ન હતા. તેથી બીજા યાજકો તેઓની જગ્યા લેતા અને સેવા ચાલુ રાખતા.+ ૨૪  પણ આ યાજક તો હંમેશાં ને હંમેશાં જીવે છે,+ એટલે તેમનું યાજકપદ લેવા બીજા કોઈની જરૂર પડતી નથી. ૨૫  તેમના નામે જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે સદાને માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.+ ૨૬  એ યોગ્ય કહેવાય કે આપણા માટે એવા પ્રમુખ યાજક હોય, જે વફાદાર, નિર્દોષ, કલંક વગરના+ અને પાપીઓથી અલગ હોય અને જેમને આકાશો કરતાં ઊંચા કરવામાં આવ્યા હોય.+ ૨૭  તેમણે બીજા પ્રમુખ યાજકોની જેમ રોજ બલિદાનો ચઢાવવાની જરૂર નથી,+ જેઓ પહેલા પોતાનાં પાપ માટે અને પછી લોકોનાં પાપ માટે બલિદાનો ચઢાવતા હતા.+ કેમ કે તેમણે તો એક જ વાર અને હંમેશ માટે પોતાનું અર્પણ ચઢાવીને આ કામ પૂરું કર્યું છે.+ ૨૮  નિયમશાસ્ત્ર પ્રમાણે જે માણસોને પ્રમુખ યાજક તરીકે નીમવામાં આવતા હતા, તેઓમાં નબળાઈઓ હતી.+ પણ નિયમશાસ્ત્ર આપ્યા પછી ઈશ્વરે સોગંદ ખાધા+ કે તે પોતાના દીકરાને પ્રમુખ યાજક તરીકે નીમશે, જે હંમેશ માટે સંપૂર્ણ કરાયા છે.+

ફૂટનોટ

અથવા, “કતલ કરીને.”
અથવા, “કુટુંબના વડા.”
અથવા, “ઊંચા હોદ્દાવાળા નીચા હોદ્દાવાળાને.”
અથવા, “તેમને જરાય પસ્તાવો થશે નહિ.”
અથવા, “ખાતરી આપનાર.”