સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

અમને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

અમને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

વિનસ્ટન અને પામેલા (પામ) પાયને ઑસ્ટ્રેલેશિયા શાખામાં કામ કરે છે. ખુશહાલ જિંદગીમાં તેઓએ ઘણી મુશ્કેલ ઘડીઓ પણ જોઈ છે. જેમ કે, બીજા સમાજ પ્રમાણે ફેરફાર કરવો અને ગર્ભમાં જ બાળકનું મરણ થવું. આ બધું થયું હોવા છતાં, તેઓએ યહોવા અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ ઓછો થવા દીધો નહિ. તેઓએ સેવાકાર્યનો આનંદ માણ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં આપણે તેઓ પાસેથી કેટલાક અનુભવો જાણીશું.

વિનસ્ટનભાઈ, ઈશ્વરની શોધ વિશે તમારો અનુભવ જણાવશો?

મારો ઉછેર ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં થયો હતો. મારું કુટુંબ ધાર્મિક ન હતું. અમે શહેરથી દૂર ખેતરમાં રહેતા હતા, એટલે કુટુંબ સિવાય બીજા કોઈને હું વધારે ઓળખતો ન હતો. બારેક વર્ષનો હોઈશ ત્યારે હું ઈશ્વરને શોધવા લાગ્યો. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે, મને તમારા વિશે હકીકત જાણવી છે. પછી, હું ખેતર છોડીને દક્ષિણ ઑસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં ગયો. ત્યાં મને કામ પણ મળી ગયું. ૨૧ વર્ષનો હતો ત્યારે હું વેકેશન માટે સિડની ગયો, ત્યાં એક છોકરીને મળ્યો. એનું નામ પામેલા હતું. તેણે મને બ્રિટિશ-ઇઝરાયેલ ધાર્મિક જૂથ વિશે જણાવ્યું. એ જૂથની માન્યતા હતી કે, બ્રિટનના લોકો ઇઝરાયેલના ખોવાયેલા કુળોના વંશજો છે. તેઓ માનતા કે, ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં ઉત્તરના રાજ્યના જે દસ કુળો દેશ છોડીને જતા રહ્યા હતા, એ ખોવાયેલા કુળો છે. હું એડિલેડ પાછો ગયો. મારી સાથે કામ કરનાર એક માણસ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કરતો હતો. મેં તેની સાથે એ વિષય પર વાત કરી. પછી યહોવાના સાક્ષીઓ શું માને છે, એ વિશે અમે કલાકો સુધી વાત કરી. ત્યારે મને સમજાયું કે બાળપણની મારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. સર્જનહાર વિશે અને તેમના રાજ્ય વિશે મને સત્ય જાણવા મળ્યું! મને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું!—માથ. ૧૩:૪૫, ૪૬.

પામબેન, તમે પણ બાળપણથી એ મોતી શોધતા હતા. તમને કઈ રીતે એ મળ્યું?

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના કોફ્સ હાર્બર શહેરમાં મારો ઉછેર થયો હતો. મારું કુટુંબ ધાર્મિક હતું. મારાં માતાપિતા અને દાદાદાદી બ્રિટીશ-ઇઝરાયેલ જૂથના શિક્ષણમાં માનતાં હતાં. મારો નાનો ભાઈ, મોટી બહેન, હું અને મારાં પિતરાઈ ભાઈ-બહેનો, અમને બધાને બાળપણથી શીખવવામાં આવ્યું હતું કે, બ્રિટનના લોકોનાં વંશજોને ઈશ્વર આશીર્વાદ આપે છે. એ વાત મારા ગળે ન ઊતરી. સાચા ઈશ્વર વિશેની શોધ ચાલુ રહી. ૧૪ વર્ષની હતી ત્યારે એન્જલિકન, બાપ્ટિસ્ટ, સેવન્થ-ડે એડવાન્ટિસ જેવા અલગ અલગ ચર્ચોમાં ફાંફાં મારવા લાગી. પણ ક્યાંયથી મને ઈશ્વર વિશે જાણવા મળ્યું નહિ.

અમે સિડની રહેવા ગયા. હું ત્યાં વિનસ્ટનને મળી. રજાઓ ગાળવા તે ત્યાં આવ્યા હતા. જેમ તેમણે આગળ જણાવ્યું, અમે ધાર્મિક ચર્ચા કરી હતી. પછીથી તે સાક્ષીઓ સાથે અભ્યાસ કરવા લાગ્યા. એટલે, તે જ્યારે મને પત્ર લખતા એમાં ઢગલાબંધ કલમો ટાંકતા! પહેલાં તો મને થતું કે આ બધું શું છે. હું ગુસ્સે થઈ જતી. પણ ધીમે ધીમે મને સમજાયું કે તે મને ઈશ્વર વિશે સત્ય જણાવી રહ્યા છે.

વિનસ્ટનની નજીક રહેવા હું ૧૯૬૨માં એડિલેડ ગઈ. થોમસ અને જેનિશ સ્લોમન પહેલાં પાપુઆ ન્યૂ ગિનીમાં મિશનરી હતા. વિનસ્ટને મને એ યુગલ સાથે રહેવાની ગોઠવણ કરી આપી. તેઓએ મને ઘણી મદદ કરી. હું તો ફક્ત ૧૮ વર્ષની હતી. તેઓએ મને યહોવા વિશે વધારે શીખવા મદદ કરી. મને ખાતરી થઈ કે મને સત્ય મળ્યું છે. મેં અને વિનસ્ટને લગ્‍ન પછી પૂરા સમયની સેવા શરૂ કરી. મુશ્કેલીઓ છતાં અમને મૂલ્યવાન મોતીની કદર કરવા મદદ મળી.

વિનસ્ટનભાઈ, યહોવાની સેવામાં તમારા શરૂઆતના દિવસો વિશે જણાવશો?

૧. સરકીટનું કામ કર્યું એ ટાપુઓનો નકશો

૨. કેટલાક ટાપુઓની ટપાલ ટિકિટ. કિરીબાટી અને ટુવાલુ ટાપુ અગાઉ ગિલબર્ટ અને એલિસ ટાપુઓ તરીકે ઓળખાતા હતા

૩. ટુવાલુ દેશનો સુંદર ફુનાફૂટી ટાપુ. મિશનરીઓ ત્યાં ગયા એ પહેલાં, આવા અનેક ટાપુઓ પર અમે સેવા આપવા ગયા હતા

પામ સાથે લગ્‍ન થયા પછી, યહોવાએ અમારી આગળ સેવાનું “મોટું દ્વાર” ખોલ્યું હતું. (૧ કોરીં. ૧૬:૯) એમાંની એક બાબત અમારા સરકીટ નિરીક્ષક ભાઈ જેક પોર્ટરે બતાવી હતી. (હવે તે મારી સાથે ઑસ્ટ્રેલેશિયા શાખા સમિતિના સભ્ય છે.) જેક અને તેમના પત્ની, રોઝલીને અમને નિયમિત પાયોનિયર બનવા ઉત્તેજન આપ્યું. અમે પાંચ વર્ષ એ સેવાનો આનંદ માણ્યો. હું ૨૯ વર્ષનો હતો ત્યારે અમને નવી સોંપણી મળી. દક્ષિણ પેસિફિક ટાપુઓમાં મને સરકીટ નિરીક્ષક તરીકે કામ કરવાનો લહાવો મળ્યો. એ સમયે ફિજી શાખા એ ટાપુઓની દેખરેખ રાખતી હતી. અમારે આ ટાપુઓની મુલાકાત લેવાની હતી: અમેરિકન સમોઆ, સમોઆ, કિરીબાટી, નાઉરુ, નિઉ, ટોકેલાઉ, ટોંગા, ટુવાલુ અને વાનુઆટુ.

એ દિવસોમાં ત્યાંના રહેવાસીઓ યહોવાના સાક્ષીઓને શંકાની નજરે જોતા. એટલે અમારે સાવચેત રહેવું પડતું અને હોશિયારીથી વર્તવું પડતું. (માથ. ૧૦:૧૬) મંડળો નાનાં નાનાં હોવાથી અમારા માટે રહેવાની ગોઠવણ કરી શકે એમ ન હતાં. એટલે અમે ગામમાં પૂછપરછ કરતા અને જે હા પાડે એમના ત્યાં રોકાઈ જતા. એ લોકો હંમેશાં અમારું ધ્યાન રાખતા.

વિનસ્ટનભાઈ, તમને ભાષાંતર કામમાં ઘણો રસ છે. કઈ રીતે એમાં રસ જાગ્યો?

સમોઆ ટાપુ પર વડીલોની શાળા ચલાવતી વખતે

ટોંગા ટાપુ પરનાં ભાઈ-બહેનો પાસે એક સમયે ટોંગન ભાષામાં અમુક પત્રિકાઓ અને કેટલીક પુસ્તિકાઓ જ હતી. પ્રચારમાં તેઓ સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક અંગ્રેજીમાં વાપરતા. ચાર અઠવાડિયાની વડીલોની શાળા દરમિયાન ત્રણ વડીલો એ પુસ્તકનું ટોંગન ભાષામાં ભાષાંતર કરવા તૈયાર થયા. તેઓનું અંગ્રેજી ચાલી જાય એવું હતું. પામે એ ભાષાંતર ટાઇપ કર્યું અને છાપવા માટે અમે અમેરિકા શાખાને મોકલી આપ્યું. એ બધું કરતા આઠેક અઠવાડિયા લાગ્યા. ભલે એ ભાષાંતર એકદમ જોરદાર ન હતું, પણ ટોંગન બોલતા કેટલાંય લોકોને સત્યમાં આવવા એ પુસ્તકથી મદદ મળી હતી. અમે બંને અનુવાદક નથી, પણ સમય જતાં અમને એ કામમાં રસ પડવા લાગ્યો.

પામબેન, ઑસ્ટ્રેલિયાના જીવન અને ટાપુઓના જીવનમાં કેવો ફરક હતો?

સરકીટ કામમાં હતા ત્યારે એક જગ્યાએ બસમાં રહ્યા હતા

બહુ મોટો ફરક! મચ્છરોના ઝૂંડ, ભારે ગરમી, ભેજવાળી આબોહવા, ઉંદરોનો ત્રાસ, બીમારીઓ અને કેટલીક વાર ઓછો ખોરાક. પણ, દિવસના અંતે અમારી ઝૂંપડીમાંથી દરિયા પર નજર નાખીએ ત્યારે મનની શાંતિ મળતી. એ ઝૂંપડીને સમોઆમાં ફાલે કહેવામાં આવતી. એમાં ઉપર છત હતી, પણ દીવાલો ન હતી. અમુક રાતે, ચંદ્રનો પ્રકાશ એટલો હોય કે અમને નાળિયેરી સાફ દેખાતી. દરિયામાં પણ દૂધ જેવી ચાંદનીનો પ્રકાશ રેલાતો. એ એટલી સુંદર પળો હતી કે અમે મનન અને પ્રાર્થના કરવા પ્રેરાતા. એનાથી નિરાશ કરનારા વિચારો દૂર થતા અને સેવા કરવાની મનમાં હોંશ જાગતી.

અમને બાળકો ખૂબ ગમતા. અમારા જેવા ગોરા લોકોને જોઈને તેઓને બહુ નવાઈ લાગતી. તેઓ સાથે ખૂબ મજા આવતી. નિઉ ટાપુ પર ગયા ત્યારે એક નાનો છોકરો વિનસ્ટનના હાથના વાળ પર પોતાનો હાથ ઘસવા લાગ્યો. તે બોલ્યો, ‘મને તમારા પીંછા બહુ ગમે છે.’ તેણે પહેલાં ક્યારેય હાથ પર આટલા વાળ જોયા ન હતા. તેને ખબર ન હતી કે એને શું કહેવાય!

લોકોની સ્થિતિ સારી ન હતી, એ જોઈને અમારું કાળજું વીંધાઈ જતું. ટાપુ તો સુંદર હતો, પણ લોકોને પૂરતી સારવાર ન મળતી. પીવાના પાણીના ફાંફાં હતા. પણ, આપણાં ભાઈ-બહેનો ચિંતા ન કરતા. તેઓ માટે તો એ બધું સામાન્ય હતું. આખું કુટુંબ સાથે હોય, ભક્તિ માટે જગ્યા હોય અને યહોવાની ભક્તિ કરવાનો મોકો મળતો હોય, એમાં જ તેઓની ખુશી હતી. તેઓ પાસેથી અમને શીખવા મળ્યું કે, મહત્ત્વની બાબત પર ધ્યાન આપીએ અને જીવન સાદું રાખીએ.

એક વાત જણાવો પામબેન, તમારે જાતે ખાવાનું બનાવવું પડતું, પાણી ભરવું પડતું. એ નવા સંજોગોમાં પોતાને કઈ રીતે ઢાળ્યા?

ટોંગા દેશમાં પામ કપડાં ધોઈ રહી છે

હું મારા પિતાનો આભાર માનું છું. તેમણે મને ઘણી બાબતો શીખવી હતી. જેમ કે કઈ રીતે ચૂલો બનાવવો, આગ પ્રગટાવવી અને એના પર રાંધવું. તેમ જ, ઓછી વસ્તુઓમાં પણ કઈ રીતે ઘર ચલાવવું. એક વાર અમે કિરીબાટી ટાપુ પર ગયા હતા. ત્યાં અમે જે ઘરમાં રોકાયા હતા, એનું ભોંયતળિયું દરિયાના પથ્થરોથી, ભીંત વાંસથી અને છાપરું ડાળખીઓથી બનેલું હતું. રાંધવા માટે મેં જમીનમાં ખાડો કરીને ચૂલા જેવું બનાવ્યું અને નાળિયેરનાં છોડાંથી આગ પ્રગટાવી. કૂવે પાણી ભરવા ગઈ ત્યારે લાઈનમાં ઊભું રહેવું પડ્યું. પાણી કાઢવા તેઓ માછલી પકડવાની લાકડી જેવું સાધન વાપરતા. છ ફૂટ લાંબી લાકડીને છેડે પાતળી દોરી બાંધતા, દોરી સાથે પાણી ભરવાનું ડોલચું બાંધતા. વારાફરતી બધી સ્ત્રીઓ દોરી અંદર નાખીને, એક આંચકાથી એ ખેંચતી. એટલે, ડોલચું ત્રાંસું થઈ જતું અને એમાં પાણી ભરાતું. મને લાગ્યું કે એમાં શું મોટી વાત! પણ મારો વારો આવ્યો ત્યારે ખબર પડી કે એ કેટલું અઘરું છે! હું દોરી ફેંકતી, તો ડોલચું સીધું જ પાણી પર તરતું. એવું તો કેટલીય વાર થયું. એ જોઈને બધા ખૂબ હસ્યા. પછી, એક સ્ત્રીએ મારી મદદ કરી. ત્યાંના લોકો હંમેશાં મદદ કરતા, દયા બતાવતા.

અમને ખબર છે કે તમને ટાપુઓ પર ભાઈ-બહેનોની મુલાકાત લેવાની સોંપણી ખૂબ ગમતી. એના અમુક અનુભવો જણાવશો?

વિનસ્ટન: કેટલીક રીતભાત જાણવા સમય તો લાગે છે. દાખલા તરીકે, ભાઈઓ અમને જમવાનું આપે ત્યારે અમારી આગળ બધું ખાવાનું મૂકી દેતા. શરૂઆતમાં તો અમને એ વિશે ખબર ન હતી. એટલે અમે તો બધું ખાઈ જતા! જ્યારથી અમને એ વિશે ખબર પડી ત્યારથી અમે બધું ખાતા નહિ, તેઓ માટે પણ રહેવા દેતા. આવા લોચા માર્યા હોવા છતાં ભાઈ-બહેનો અમને સમજતા હતા! સરકીટ કામ માટે દર છ મહિને તેઓની મુલાકાત લેતા ત્યારે તેઓ ખુશ થઈ જતા. પોતાના મંડળ સિવાયના બીજા કોઈ સાક્ષીઓને તેઓએ ક્યારેય જોયા ન હતા. એટલે અમે જઈએ ત્યારે તેઓને ઘણી નવાઈ લાગતી.

નિઉ ટાપુ પર ભાઈ-બહેનોને પ્રચારમાં લઈ જતી વખતે

આજુબાજુના લોકોમાં પણ અમારી મુલાકાતની સારી અસર પડતી. ગામના લોકોને લાગતું કે, મંડળનાં ભાઈ-બહેનોએ પોતે ધર્મ બનાવ્યો છે અને એ પાળે છે. પણ, અમે ભાઈ-બહેનોની મુલાકાત લીધી ત્યારે, બહારના દેશના લોકોને જોઈને ગામના લોકોને નવાઈ લાગી. તેઓને ખબર પડી કે આ તો એવો ધર્મ છે, જેમાં બધા એકબીજાની સંભાળ રાખે છે.

પામ: કિરીબાટી ટાપુ પરની યાદો મારા મનમાં હજુય તાજી છે. ત્યાં એક જ મંડળ હતું, જેમાં થોડાં ભાઈ-બહેનો હતાં. ઇટીનીકાઇ માઇટેરા નામના એક જ વડીલ હતા ત્યાં. તે અમારું ધ્યાન રાખવા બનતું બધું કરતા હતા. એ દિવસોમાં મરઘીનું ઈંડું મળવું બહુ મુશ્કેલ હતું. તોપણ તે એક દિવસ ટોપલીમાં એક ઈંડું લઈને આવ્યા અને કહ્યું, ‘આ તમારા માટે.’ એ વાત મારા દિલને સ્પર્શી ગઈ.

પામબેન, તમારું બાળક ગર્ભમાં મરણ પામ્યું. તમે એ દુઃખ કઈ રીતે સહન કરી શક્યા?

૧૯૭૩માં હું અને વિનસ્ટન પૅસિફિકના દક્ષિણ ભાગના ટાપુઓમાં હતા. એ સમયે મને ખબર પડી કે હું મા બનવાની છું. અમે ઑસ્ટ્રેલિયા પાછા જવાનું નક્કી કર્યું. ચાર મહિના પછી મેં બાળક ગુમાવ્યું. વિનસ્ટન માટે પણ એ કારમો ઘા ઝીલવો સહેલો ન હતો. સમય જતાં એ દુઃખ હળવું થયું પણ પૂરેપૂરું ગયું નહિ. પણ, એપ્રિલ ૧૫, ૨૦૦૯ ચોકીબુરજના (અંગ્રેજી) અંકથી અમને ઘણી મદદ મળી. એ અંકમાં ‘વાચકો તરફથી પ્રશ્નો’માં આ સવાલ હતો: ‘માના ગર્ભમાં બાળક મરણ પામે તો શું તેના માટે સજીવન થવાની આશા રાખી શકાય?’ એ લેખમાં જણાવ્યું હતું કે, આપણે બાબતો યહોવા પર છોડી દેવી જોઈએ, તે હંમેશાં ખરું છે એ જ કરે છે. તે પોતાના દીકરાને સૂચના આપશે કે, “શેતાનનાં કામોનો તે નાશ કરે.” (૧ યોહા. ૩:૮) આમ, તે આપણાં દિલનો એકેએક ઘા મિટાવી દેશે. લેખથી મને એ પણ ઉત્તેજન મળ્યું કે, યહોવાના લોકો તરીકે આપણે મૂલ્યવાન ‘મોતી’ જેવા છીએ, આપણે એની કદર કરવી જોઈએ! આપણી પાસે ઈશ્વરના રાજ્યની આશા ન હોત તો આપણું શું થાત?

બાળક ગુમાવ્યા પછી, અમે પાછા પૂરા સમયની સેવામાં જોડાયા. થોડા મહિના ઑસ્ટ્રેલિયા બેથેલમાં કામ કર્યું. પછી, અમે સરકીટ કામમાં જોડાયા. ચાર વર્ષ સુધી અમે ન્યૂ સાઉથ વેલ્સના ગામડાના વિસ્તારો અને સિડનીમાં કામ કર્યું. ૧૯૮૧માં અમને ઑસ્ટ્રેલિયા શાખામાં જોડાવવાનું આમંત્રણ મળ્યું. ત્યારથી અમે બેથેલમાં જ છીએ.

વિનસ્ટનભાઈ, દક્ષિણ પૅસિફિક ટાપુઓ પર તમે ઘણું કામ કર્યું હતું. એનાથી શું તમને ઑસ્ટ્રેલેશિયા શાખા સમિતિના સભ્ય તરીકે કામ કરવા મદદ મળી?

હા, ઘણી રીતોએ. અમેરિકન સમોઆ અને સમોઆ ટાપુઓની દેખરેખ રાખવાની જવાબદારી ઑસ્ટ્રેલિયા શાખાને મળી હતી. પછી, ઑસ્ટ્રેલિયા શાખા સાથે ન્યૂ ઝીલૅન્ડ શાખાને જોડી દેવામાં આવી. હવે, ઑસ્ટ્રેલેશિયા શાખા આ દેશોની દેખરેખ રાખે છે: ઑસ્ટ્રેલિયા, અમેરિકન સમોઆ, સમોઆ, કુક ટાપુઓ, ન્યૂ ઝીલૅન્ડ, નિઉ, તિમોર-લેસ્ટે, ટોકેલાઉ અને ટોંગા. એમાંથી ઘણા દેશોની શાખા પ્રતિનિધિ તરીકે મેં મુલાકાત લીધી હતી. હવે શાખા સમિતિમાં કામ કરું છું, એટલે મેં ટાપુઓ પર ભાઈ-બહેનો સાથે જે કામ કર્યું હતું, એ અનુભવ કામ લાગે છે.

વિનસ્ટન અને પામ ઑસ્ટ્રેલેશિયા શાખામાં

છેલ્લે, હું એમ કહેવા માગું છું કે, મેં અને પામે વર્ષોથી જોયું છે કે ફક્ત મોટી ઉંમરના લોકો જ ઈશ્વર વિશે જાણવા ચાહે છે, એવું નથી. યુવાનો પણ “ઘણું મૂલ્યવાન મોતી” મેળવવા માંગે છે, પછી ભલે તેમના કુટુંબના લોકો રસ ન બતાવે. (૨ રાજા. ૫:૨, ૩; ૨ કાળ. ૩૪:૧-૩) પ્રેમાળ ઈશ્વર યહોવા ચાહે છે કે યુવાન હોય કે વૃદ્ધ બધાને જીવન મળે!

આજથી પચાસ વર્ષ પહેલાં, મેં અને પામે ઈશ્વરને શોધવાનું શરૂ કર્યું હતું. એ સમયે અમને ખબર ન હતી કે અમે આ મુકામે પહોંચીશું. એમાં કોઈ બેમત નથી કે, ઈશ્વરના રાજ્યનું સત્ય અમૂલ્ય મોતી જેવું છે! એ મોતીને સાચવી રાખવા આપણે બનતું બધું કરવું જોઈએ!