સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૪ | સલાહ પાળો, ફાયદો મેળવો

૪ | સલાહ પાળો, ફાયદો મેળવો

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: ‘આખું પવિત્ર શાસ્ત્ર ઉપયોગી છે.’—૨ તિમોથી ૩:૧૬.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

બાઇબલ સારવારને લગતું પુસ્તક નથી, તોપણ એમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી સલાહ આપી છે, જે પાળવાથી માનસિક બીમારીનો સામનો કરી રહેલા લોકોને ફાયદો થઈ શકે છે. ચાલો અમુક સલાહ પર ધ્યાન આપીએ.

આપણે શું કરી શકીએ?

“વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.”—માથ્થી ૯:૧૨.

બાઇબલમાં લખ્યું છે કે જ્યારે આપણે બીમાર હોઈએ, ત્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ. માનસિક બીમારીઓનો ભોગ બનેલા લોકોએ જોયું છે કે ડૉક્ટર પાસે જવાથી અને પોતાની બીમારી વિશે માહિતી મેળવવાથી, તેઓને ઘણી રાહત મળી છે.

‘શરીરની કસરતથી લાભ થાય છે.’—૧ તિમોથી ૪:૮.

જો તમારું શરીર સ્વસ્થ હશે, તો તમારું મન પણ સ્વસ્થ હશે. એટલે તંદુરસ્ત રહેવા નિયમિત કસરત કરો, પૌષ્ટિક ખોરાક લો અને પૂરતી ઊંઘ લો.

“આનંદી હૃદય ઉત્તમ દવા છે, પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.”—નીતિવચનો ૧૭:૨૨.

બાઇબલમાંથી ઉત્તેજન આપતા અહેવાલો વાંચો. એવા ધ્યેય રાખો જે તમે પૂરા કરી શકો. એમ કરવાથી તમને ખુશી મળશે. જો તમે સારી વાતો પર મન લગાડશો અને ભરોસો રાખશો કે આગળ જતા બધું સારું થઈ જશે, તો તમે માનસિક બીમારી સામે લડી શકશો.

“મર્યાદામાં રહેતા લોકો પાસે ડહાપણ હોય છે.”—નીતિવચનો ૧૧:૨.

માનસિક બીમારીને લીધે, તમે જે કરવા ચાહતા હો એ કદાચ ન કરી શકો. એવા સમયે જ્યારે કોઈ દોસ્તો કે કુટુંબીજનો મદદનો હાથ લંબાવે, ત્યારે એ સ્વીકારતા અચકાશો નહિ. પણ કદાચ તેઓને ખબર ન હોય કે તમને કેવી મદદની જરૂર છે, એટલે એ વિશે તેઓને દિલ ખોલીને જણાવો. તેઓ પાસેથી વધારે પડતી આશા ન રાખો. તેઓ જે કંઈ મદદ આપે એનો હંમેશાં આભાર માનો.

શાસ્ત્રની સલાહથી ઘણાને ફાયદો થઈ રહ્યો છે

“જ્યારે મને લાગ્યું કે મારો સ્વભાવ કંઈક અજીબ થવા લાગ્યો છે, ત્યારે હું ડૉક્ટર પાસે ગઈ. તપાસ કરાવતા ખબર પડી કે મને માનસિક બીમારી છે. ડૉક્ટર પાસે જવાથી હું એ પણ જાણી શકી કે સારવારની કઈ અલગ અલગ રીતો પ્રાપ્ય છે.”—નિકોલ, a જેને બાયપોલર ડિસઓર્ડર છે.

“હું રોજ સવારે મારી પત્ની સાથે બાઇબલ વાંચું છું. એનાથી હું મારા દિવસની શરૂઆત સારી અને ઉત્તેજન આપતી વાતોથી કરી શકું છું. જોકે અમુક દિવસો એવા હોય છે જ્યારે બીમારી મારા પર હાવી થઈ જાય છે. એ સમયે બાઇબલ વાંચતા વાંચતા એવી કોઈ કલમ સામે આવે છે જેનાથી મને હિંમત મળે છે.”—પીટર, જેને ડિપ્રેશન છે.

“મારી બીમારી વિશે બીજાઓને જણાવતા મને શરમ આવતી હતી. કેમ કે મને બીક હતી કે લોકો મારા વિશે શું કહેશે, શું વિચારશે. પણ મારી એક દોસ્ત છે, જેણે મારું ધ્યાનથી સાંભળ્યું અને સમજવાની કોશિશ કરી કે મારા પર શું વીતી રહ્યું છે. તેણે મને મદદ કરી જેથી મને સારું લાગે અને હું પોતાને એકલી ન ગણું.”—જિયુ, જેને ઇટિંગ ડિસઓર્ડર છે.

“બાઇબલની મદદથી હું સમજી શક્યો કે મારે ફક્ત કામ જ કામ નથી કરવાનું, આરામ પણ કરવાનો છે. એમાં આપેલી સલાહ પાળવાથી હું એવી લાગણીનો સામનો કરી શકું છું જે વારંવાર મને હેરાન કરે છે.”—ટિમોથી, જેને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે.

a અમુક નામ બદલ્યાં છે.