સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મમ્મી-પપ્પાની વાત માનવી એ તો બૅંકની લોન ચૂકવવા જેવું છે. તમે જેટલા ભરોસાપાત્ર બનશો, એટલો વધારે ભરોસો જીતી શકશો

યુવાનો માટે

૧૦: ભરોસાપાત્ર બનો

૧૦: ભરોસાપાત્ર બનો

એનો શું અર્થ થાય?

ભરોસાપાત્ર વ્યક્તિમાં તેઓનાં માબાપ, મિત્રો અને બોસ સરળતાથી વિશ્વાસ મૂકે છે. તેઓ નિયમોને વળગી રહે છે, વચનો પાળે છે અને હંમેશાં સાચું બોલે છે.

એ કેમ મહત્ત્વનું છે?

જેમ જેમ તમે લોકોનો ભરોસો જીતતા જશો, તેમ તેમ તમારી આઝાદી વધતી જશે.

‘તમારા માબાપનો ભરોસો જીતવાની સારામાં સારી રીત છે કે તમારે પરિપક્વ અને જવાબદાર વ્યક્તિ બનવું પડશે. તેઓ સાથે હો ફક્ત ત્યારે જ નહિ, એકલા હો ત્યારે પણ.’—સારાહી.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે પોતે જે છો એની સાબિતી આપતા રહો.”—૨ કોરીંથીઓ ૧૩:૫.

તમે શું કરી શકો?

જો તમે ભરોસો જીતવા કે પછી ગુમાવેલો ભરોસો પાછો મેળવવા માંગતા હો તો નીચેનાં પગલાં ભરો.

પ્રમાણિક બનો. જો જૂઠું બોલશો તો લોકો તમારા પર ભરોસો કરવાનું છોડી દેશે. એને બદલે, જો તમે ખુલ્લા મને વાત કરશો અને પ્રમાણિકતાથી ભૂલો સ્વીકારશો, તો બીજાઓનો ભરોસો જીતી શકશો.

‘સારા સંજોગોમાં પ્રમાણિક રહેવું સહેલું છે. પરંતુ, સાચું બોલવાથી લોકો સામે તમારી છબી ખરડાય ત્યારે, શું તમે સાચું બોલો છો? જો એમ કરશો તો લોકો તમારા પર વધુ ભરોસો મૂકશે.’—કેમન.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.’—હિબ્રૂઓ ૧૩:૧૮.

વિશ્વાસપાત્ર બનો. અમેરિકામાં થયેલા એક સર્વે મુજબ, ૭૮ ટકા નિષ્ણાતોએ જણાવ્યું કે ‘નોકરી આપતી વખતે કંપની જે મહત્ત્વની બાબતો તપાસે છે, એમાંની એક છે કે વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહિ.’ હમણાંથી જ વિશ્વાસપાત્ર બનશો તો મોટા થશો ત્યારે તમને ફાયદો થશે.

‘હું એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તું છું ત્યારે, મારાં મમ્મી-પપ્પા એની નોંધ લે છે. તેઓ જુએ છે કે હું નાનાં-મોટાં કામ મારી જાતે કરું છું, તેઓએ વારંવાર એ યાદ દેવડાવવાની જરૂર પડતી નથી. હું પોતાની ઇચ્છાથી એમ કરું ત્યારે તેઓનો મારા પર ભરોસો વધે છે.’—સારા.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “મને ભરોસો છે કે તું એમ કરીશ, . . . હું જાણું છું કે મેં જણાવ્યું છે એનાથી પણ વધારે તું કરીશ.”—ફિલેમોન ૨૧.

ધીરજ રાખો. યુવાનો મોટા થતા જાય, તેમ બીજાઓ એ સહેલાઈથી જોઈ શકે છે કે તેઓની ઊંચાઈ અને બીજી બાબતો બદલાઈ રહી છે. પણ તેઓ હવે સમજુ અને જવાબદાર વ્યક્તિ બની રહ્યા છે, એ સમજતા બીજાઓને સમય લાગી શકે. એટલા માટે યુવાનોએ ધીરજ રાખવાની જરૂર છે.

‘માતા-પિતાનો અને બીજાઓનો વિશ્વાસ રાતોરાત જીતી શકાતો નથી. પણ દર વખતે એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તશો તો, તેઓનો વિશ્વાસ જીતી શકશો.’—બ્રેન્ડન.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ધીરજ પહેરી લો.”—કોલોસીઓ ૩:૧૨.