સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ જીવન સુધારે છે

“ઘણા લોકો મને ધિક્કારતા”

“ઘણા લોકો મને ધિક્કારતા”
  • જન્મ: ૧૯૭૮

  • દેશ: ચિલી

  • પહેલાં કેવા હતા: ખૂબ જ હિંસક

મારો ભૂતકાળ:

ચિલીના પાટનગર સૅન્ટીઆગોમાં મારો ઉછેર થયો હતો. અમારા વિસ્તારમાં ડ્રગ્સ, ગુંડાઓની ટોળકી અને ગુનાઓ સામાન્ય હતા. હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા પપ્પાનું ખૂન થયું હતું. એ પછી, મારા મમ્મી એવા માણસ સાથે રહેવાં લાગ્યાં જે ખૂબ ક્રૂર હતા. મને અને મમ્મીને તે વારંવાર મારતા. એ વર્ષોના લાગણીમય ઘા હજુ રુઝાયા નથી.

હું મોટો થતો ગયો તેમ, ખોટી સંગતને લીધે ખૂબ હિંસક બનવા લાગ્યો. હું હેવી-મેટલ મ્યુઝિક સાંભળતો, વધુ પડતો દારૂ પીતો અને અમુક વાર ડ્રગ્સ લેતો. ડ્રગ્સ વેચનારાઓ સાથે મારી અવારનવાર રસ્તા પર મારામારી થતી. તેઓએ ઘણી વાર મારો કાંટો કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. એક વખતે, સામેની ટોળકીએ મને મારી નાખવા માટે એક હત્યારાને સોપારી આપી. એ સમયે, મને ચપ્પુના ઘા વાગ્યા પણ હું ત્યાંથી નાસી છૂટ્યો. બીજી એક વખતે, ડ્રગ્સ વેચનારાઓએ મારા માથા પર બંદૂક મૂકી હતી અને મને ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો હતો.

૧૯૯૬માં હું કેરોલીનના પ્રેમમાં પડ્યો અને ૧૯૯૮માં અમે લગ્ન કર્યા. અમારા પહેલા દીકરાના જન્મ પછી, મને મારા હિંસક ગુસ્સાને લીધે ચિંતા થવા લાગી. મને લાગતું કે હું પણ મારા સાવકા પિતાની જેમ બની જઈશ અને મારા કુટુંબને હેરાન કરીશ. તેથી, મેં રાહત કેન્દ્રમાં મદદ માંગી. મને દવાઓ અને સારવાર આપવામાં આવી પણ એનાથી કોઈ અસર ન થઈ. હું નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જતો અને મારો પિત્તો ગુમાવી દેતો. હું મારા કુટુંબને વધુ દુઃખી કરવા માગતો નહોતો, તેથી મેં એક ખોટું પગલું પણ ઉપાડ્યું. પણ સારું થયું આત્મહત્યા કરવામાં હું નિષ્ફળ ગયો.

હું ઘણાં વર્ષોથી નાસ્તિક હતો. પણ, હવે મારે ઈશ્વર વિશે જાણવું હતું. તેથી, થોડા સમય માટે હું ઈવેન્જેલિકલ ધર્મ સાથે જોડાયો. એ વખતે, મારી પત્ની યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ શીખતી હતી. હું સાક્ષીઓને ધિક્કારતો હતો અને ઘણી વાર તેઓને ગાળો આપતો હતો. મારા ધાર્યા બહાર તેઓ હંમેશાં શાંતિથી જવાબ આપતા.

એક દિવસે, કેરોલીને મને મારા બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચવાનું કહ્યું. એ કલમ સ્પષ્ટ બતાવતી હતી કે, ઈશ્વરનું નામ યહોવા છે. મને એ વાતની નવાઈ લાગી કે, મારા ધર્મએ ઈશ્વર વિશે તો શીખવ્યું પણ યહોવા વિશે નહિ. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં મેં પણ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

હું જેમ વધુ શીખતો ગયો તેમ જાણીને, મને દિલાસો મળ્યો કે યહોવા કૃપાળુ અને માફી આપનાર ઈશ્વર છે. દાખલા તરીકે, નિર્ગમન ૩૪:૬, ૭માં બાઇબલ યહોવા વિશે આમ જણાવે છે: “દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર.”

તોપણ, હું જે શીખી રહ્યો હતો એ લાગુ પાડવું સહેલું ન હતું. મને લાગતું હતું કે હું કદી પણ મારા હિંસક ગુસ્સાને કાબૂ નહિ કરી શકું. જ્યારે પણ હું નિષ્ફળ જતો, ત્યારે કેરોલીન મને પ્રેમથી ઉત્તેજન આપતી. તે મને યાદ અપાવતી કે યહોવા મારા પ્રયત્નો જુએ છે. હું મોટા ભાગે હિંમત હારી જતો પણ તેના સાથને લીધે યહોવાને ખુશ કરવાના મારા પ્રયત્ન ચાલુ રાખી શક્યો.

એક દિવસે, મારો અભ્યાસ લેનાર ભાઈ અલાહેન્ડ્રોએ મને ગલાતી ૫:૨૨, ૨૩ વાંચવાનું કહ્યું. એ કલમ ઈશ્વરની શક્તિના ફળ વિશે જણાવે છે. એ ફળ છે: “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” અલાહેન્ડ્રોએ મને જણાવ્યું કે, હું મારી જાતે નહિ, પણ ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી એ ગુણો કેળવી શકું છું. એ સત્યએ મારા વિચારો સાવ બદલી નાખ્યા.

પછી, હું યહોવાના સાક્ષીઓના એક મોટા સંમેલનમાં ગયો. ત્યાં વ્યવસ્થા, સ્વચ્છતા અને ભાઈચારો જોઈને હું સમજી ગયો કે મને સાચો ધર્મ મળ્યો છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) હું ફેબ્રુઆરી ૨૦૦૧માં બાપ્તિસ્મા પામ્યો.

મને કઈ રીતે ફાયદો થયો:

યહોવાએ મને હિંસક માણસમાંથી શાંતિપ્રિય વ્યક્તિ બનાવ્યો. મને લાગે છે કે તેમણે મને કાદવમાંથી બહાર કાઢ્યો. ઘણા લોકો મને ધિક્કારતા, પણ તેઓનો વાંક ન હતો. જોકે, અત્યારે મારી પત્ની અને બે દીકરાઓ સાથે મળીને હું ખુશીથી યહોવાની ભક્તિ કરું છે.

મારા સગાંઓ અને પહેલાંના મિત્રો માની નથી શકતા કે હું કેટલો બદલાઈ ગયો છું. એના લીધે, તેઓમાંના અમુકે તો બાઇબલ સત્ય શીખવામાં રસ બતાવ્યો છે. મને એ પણ લહાવો મળ્યો છે કે હું લોકોને યહોવા વિશે શીખવી શકું છું. બાઇબલ સત્યથી તેઓના જીવનમાં આવતા બદલાવ જોઈને અઢળક ખુશી મળે છે! (w13-E 10/01)