શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?
શાસ્ત્રમાંથી જવાબ
ના. બાઇબલ જણાવે છે કે આપણે ફક્ત ઈશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ, એ પણ ઈસુના નામમાં. ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું હતું: “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’” (માથ્થી ૬:૯) ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું કે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. તેમણે ક્યારેય કહ્યું ન હતું કે સાધુ-સંતો, દૂતો અથવા બીજા કોઈને પ્રાર્થના કરવી જોઈએ.
ઈસુએ એમ પણ કહ્યું હતું: “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા દ્વારા જ પિતા પાસે જઈ શકાય છે.” (યોહાન ૧૪:૬) ઈસુ જ આપણી બધી અરજો અને વિનંતીઓ ઈશ્વર સુધી પહોંચાડી શકે છે. એ અધિકાર ઈશ્વરે ફક્ત ઈસુને જ આપ્યો છે.—હિબ્રૂઓ ૭:૨૫.
શું આપણે ઈશ્વરની સાથે સાથે સાધુ-સંતોને પણ પ્રાર્થના કરી શકીએ?
ઈશ્વરે જ્યારે પોતાના લોકોને દસ આજ્ઞાઓ આપી હતી, ત્યારે એમાંની એક આજ્ઞા આ હતી: “હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.” (નિર્ગમન ૨૦:૫) ઈશ્વર ચાહે છે કે આપણે ફક્ત તેમની ભક્તિ કરીએ. અરે, પ્રાર્થના પણ તેમને જ કરીએ.—યશાયા ૪૮:૧૧.
આપણે સાધુ-સંત, દૂત કે બીજા કોઈને પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે, જાણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ. યોહાન નામના ઈશ્વરભક્ત એક દૂતની ભક્તિ કરવા ગયા ત્યારે, દૂતે તેમને રોકીને કહ્યું: “એવું ન કરતો! ઈશ્વરની ભક્તિ કર! હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.”—પ્રકટીકરણ ૧૯:૧૦.